Tribhovandas luhar sundaram biography examples

નવીન શું છે

સવિશેષ પરિચય: ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’

લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ (૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા.

એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ.

૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે.

ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે.



‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે.

ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે.

’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે.

‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે.



સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે.

‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી વાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે.

‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે.

‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે.

સુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે.

એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે.

આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે.

‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે.

આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે.

‘વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે અનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ.

બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે.

‘પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે.

‘દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે.

સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ‘ચિદંબરા’ (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે.



ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે.

‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ (૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા



કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) : સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે.

સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી.

-ચંદ્રકાન્ત ટોપીવાળા



કાવ્યમંગલા (૧૯૩૩) : સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ.

ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે.

તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા



વસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે.

ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે.

‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે.

એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે.

-કિશોરસિંહ સોલંકી



યાત્રા (૧૯૫૧) : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે.

‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે.

એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા



પિયાસી (૧૯૪૦) : સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ.

પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા સાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે.

‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની સામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે.

શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા



ઉન્નયન (૧૯૪૫) : સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે.

બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે સમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે.

(-

-ચંદ્રકાન્ત ટોપીવાળા



અર્વાચીન કવિતા (૧૯૪૬) : ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે.

અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે.

કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા



અવલોકના (૧૯૬૫) : ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે. ગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે.

તેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો વ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે.



ગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક પ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે.

જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની આત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે.

-જયંત ગાડીત



વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.